ગુજરાતી

વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે વિશેષનિરંતરતા, શિસ્ત અને શીખવાની ભાવનાથી જ સાચી સફળતા શક્ય

– પ્રો. (ડૉ.) શૈલેશ સૂર્યનારાયણ અય્યર
પ્રાચાર્ય, એનએસઆઈટી, અમદાવાદ
આપણા દેશનું ભવિષ્ય આપણા યુવાનોમાં સમાયેલું છે. યુવાનો આપણા રાષ્ટ્રની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. તેમની પ્રતિભા, ક્ષમતા અને યોગ્યતા અનુસાર વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવાની તકો ઉપલબ્ધ થાય તથા વિશિષ્ટ વિષયો અને ક્ષેત્રોમાં તેમનું કૌશલ્ય વિકસે તે હેતુસર દર વર્ષે 15 જુલાઈએ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ દિવસ, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. આ દિવસ ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા સંચાલિત સ્કિલ ઈન્ડિયા મિશનના ઉદ્દેશ્યોને અનુરૂપ છે. આ દિવસ યુવાનોને ટેકનિકલ, વ્યાવસાયિક અને ડિજિટલ કૌશલ્યોથી સશક્ત બનાવવાના મહત્વને ઉજાગર કરે છે, જેથી તેઓ રોજગાર, સન્માનજનક કાર્ય અને ઉદ્યોગસાહસિકતા માટે તૈયાર થઈ શકે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષની થીમ “સાંઝા ભવિષ્ય માટે કૌશલ્ય” નક્કી કરવામાં આવી છે. આ થીમ એવા નવીન કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પર ભાર મૂકે છે, જે યુવાનોને માત્ર બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ બનવામાં જ નહીં, પરંતુ સહાનુભૂતિપૂર્ણ નેતૃત્વ, સાંસ્કૃતિક અંતર ઘટાડવા, પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવા અને વધુ સમાનતાપૂર્ણ તથા ટકાઉ ભવિષ્યના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરે છે.
યુવાઓએ સમજવું જોઈએ કે “સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી, માત્ર સ્માર્ટ વર્ક જ સફળતાની ચાવી છે.” જો તમે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ જાણો છો, તો એ જ ટેક્નોલોજી તમારા માટે ચમત્કાર સર્જી શકે છે. નવી ટેક્નોલોજી અને નવા કૌશલ્યો શીખવા પર ધ્યાન આપો અને પ્રાપ્ત કરેલા કૌશલ્યોનો ઉપયોગ તમારી આસપાસની સમસ્યાઓના ઉકેલ માટે કરો. અસરકારક સંચાર કૌશલ્ય, પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવાની ક્ષમતા અને સતત શીખવાની જિજ્ઞાસા તમારા ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. જે ક્ષેત્રમાં તમે નિષ્ણાત બનવા માંગો છો, તે દિશામાં દરરોજ નાના પરંતુ સતત પગલાં ભરતા રહો.
જુલાઈ મહિનો નવા તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્રની શરૂઆતનો સમય છે. આ પ્રસંગે સફળતા અને કૌશલ્ય વિકાસ માટે વિદ્યાર્થીઓએ નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ:

  • હેતુ: બદલાતી ટેક્નોલોજી અને બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાના કૌશલ્ય વિકાસની સ્પષ્ટ દિશા નક્કી કરો.
  • આયોજન: ઉદ્યોગની માંગ અને રોજગારની તૈયારીને અનુરૂપ સુવ્યવસ્થિત કાર્યયોજના બનાવો.
  • અભ્યાસ: માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું ન રાખો, પરંતુ નિયમિત પ્રાયોગિક અને ઉદ્યોગલક્ષી તાલીમ પણ મેળવો.
  • પ્રદર્શન: પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરો, તેનું ઔપચારિક મૂલ્યાંકન કરાવો અને પ્રમાણિત બનાવો.
  • સતત પ્રગતિ અને દૃઢતા: જીવનભર શીખતા રહો અને ઉદ્યોગમાં થતા પરિવર્તનોને અનુરૂપ તમારા કારકિર્દીને સતત આગળ વધારો.
    કૌશલ્ય વિકાસમાં યુવાનો સામે આવતી પાંચ મુખ્ય અડચણોમાં ડિજિટલ મીડિયાનો અતિરેક ઉપયોગ, જીવનમાં સ્પષ્ટ લક્ષ્યનો અભાવ, નશીલા અને પ્રતિબંધિત પદાર્થોની લત, પોતાની ક્ષમતા કરતાં વધુ વૈભવી જીવનશૈલીની ઇચ્છા તથા શિસ્તનો અભાવ અને અવ્યવસ્થિત જીવનશૈલીનો સમાવેશ થાય છે.
    સફળતા માત્ર શૈક્ષણિક કે વ્યવસાયિક સિદ્ધિઓનું નામ નથી. સાચી સફળતા એટલે ઉત્તમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, શ્રેષ્ઠ કાર્યનૈતિકતા, મજબૂત સામાજિક સંબંધો અને સન્માનજનક આવક—આ તમામનું સંતુલિત સંકલન જ સાચી સફળતા છે.
    વિશ્વવિખ્યાત દોડવીર ઉસૈન બોલ્ટ પોતાની સફળતા વિશે કહે છે: “મેં 9 સેકન્ડ દોડવા માટે 4 વર્ષ સુધી કઠોર તાલીમ લીધી.” તેમનો સંદેશ સ્પષ્ટ છે કે દુનિયાને દેખાતી થોડી સેકન્ડોની સફળતા પાછળ વર્ષોની અદૃશ્ય મહેનત અને સમર્પણ છુપાયેલું હોય છે.
    તે જ રીતે ઉદ્યોગસાહસિક અને પ્રેરણાદાયક વક્તા રાજ શમાનીનું એક પ્રેરણાદાયક વાક્ય છે: “જો તમે હારી રહ્યા હો, તો માથું ઝુકાવીને કામ કરતા રહો. જો તમે જીતી રહ્યા હો, તો પણ માથું ઝુકાવીને કામ કરતા રહો. લોકો તમારા પર શંકા કરે, તો પણ સતત મહેનત કરતા રહો. એક દિવસ બધું બદલાઈ જશે અને લોકો તમને ‘ઓવરનાઇટ સક્સેસ’ કહેશે.”
    અંતમાં યુવાનો માટે માત્ર એક જ સંદેશ છે—“માથું ઝુકાવીને સતત કાર્ય કરતા રહો. સફળતા મળે પછી પણ તેને માથા પર ચઢવા ન દો. નિરંતરતા, શિસ્ત અને શીખવાની ભાવના જ તમને સાચી સફળતા સુધી પહોંચાડશે.”

Related posts

અદાણી યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતાને મજબૂત બનાવવા NFSU સાથે સમજૂતી કરાર કર્યા

w3hosters@gmail.com

ઇન્ટરનેશનલ લેવલ હેકાથોન 360° 4.0 સફળતાપૂર્વક પૂર્ણNSIT દ્વારા EClearnixના તત્વાવધાન હેઠળ સફળ આયોજન

સ્વાસ્થ્ય પ્રવાહમોડી રાત સુધી જાગવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી

w3hosters@gmail.com

Leave a Comment